આજનાં યુવક-યુવતીઓ સાથે આ સમસ્યા અંગે કદાચ વાત કરવાનો પ્રસંગ ઊભો થાય તો તેઓ પોતાનો પક્ષ પણ સારી રીતે રજૂ  કરે છે. આવી સમગ્ર વાતનો સાર એવો નીકળે છે કે માબાપો પોતાનાં સંતાનો પ્રત્યે જે કંઈ ફરજ બજાવવાની હોય તે જરૃર બજાવે, બાકી તેમણે વૃદ્ધાવસ્થામાં પોતાનાં પુખ્ત સંતાનોનો આધાર શોધવાનો નહીં! પરણેલા પુત્રો પાસેથી ઝાઝી આશા રાખવા જેવું જ નથી. તેમાં પણ મુશ્કેલી સર્જાય છે. વૃદ્ધ સ્ત્રી માટે તો દીકરી અને જમાઈ સારાં હોય, રાખે તેવાં હોય તો પણ દીકરાનું ખરાબ ન દેખાય તે માટે પોતાની જાતને કેળવવી પડે છે અને પુત્ર સાથે રહેવું પડે છે.

આવાં વૃદ્ધો માટે સૌથી વધુ મુશ્કેલી ત્યાારે ઊભી થાય છે જ્યારે પૌત્રો-પૌત્રીઓ દીકરા કે દીકરી કરતાં વધુ વહાલ દર્શાવે છે. પૌત્રોનો ઝાઝો મોહ કેળવવામાં પણ દુ:ખી થવા જેવું થાય છે, કેમ કે દીકરા-વહુને આ જમાનામાં તેમનાં સંતાનો ઉપર તેમના દાદા-દાદીનો કોઈ અધિકાર મંજૂર હોતો નથી!

વિચિત્રતા તો એ વાતની છે કે પૌત્ર-પૌત્રીઓ તો દાદા-દાદીનું વહાલ ઝંખે છે. તેઓ તો દાદા-દાદીને ચાહે છે અને તેમને તેમની સોબત ખૂબ ગમે છે. પણ દીકરા-વહુને તો એમ જ લાગે  છે કે આ ડોશા-ડોશી બાળકોને ઈરાદાપૂર્વક બગાડી રહ્યાં છે! વહુને થતું હોય છે કે ડોશીના દીકરાને તો જેમતેમ માંડ માંડ લડી-ઝઘડી મારા બનાવવા મથી રહી છું ત્યાં તેઓ બાળકોને પડાવી લેવાનો પેંતરો તો નહીં કરતા હોય?

જિંદગીની આ એક કરુણ વાસ્તવિકતા આજકાલ વધુ ને વધુ વરવા સ્વરૃપે નજરે પડી રહી છે તે સૌ કોઈ જુએ છે અને અનુભવે છે. કમનસીબે યા સદનસીબે ભગવાને માબાપની આંખે મોહના પાટા બાંધ્યા છે કે આપણને આપણાં સંતાનોનું કશું ખરાબ દેખાતું નથી. આપણે આપણાં બાળકોમાં કશો દોષ જોઈ શકતા નથી. દીકરો સ્વાર્થી અને સંકુચિત મનનો હશે તો પણ આપણે તેની વહુને જ દોષ દઈશું. આપણને આપણી દીકરી નિષ્ઠુર બની ગયેલી લાગે તો આપણે એનો પોતાનો કોઈ દોષ નહીં જોઈએ- જમાઈનો કે સાસરિયાંનો દોષ જોઈશું!

આપણે સૌ જાણીએ છીએ કે, દરેક માબાપમાં થોડો ધૃતરાષ્ટ્ર- પ્રેમ હોય છે તો થોડો ગાંધારી-પ્રેમ હોય છે. એકને આંખ જ નથી અને બીજીએ આંખે પાટા બાંધી દીધા છે. પિતા પોતાના પુત્રના કોઈ દોષ જોઈ શકતો નથી અને પોતાની અધૂરી રહેલી કામનાઓને આગળ ધપાવનાર વારસ તરીકે જ જુએ છે.

વૃદ્ધાવસ્થામાં આ પ્રકારના મોહથી, પ્રેમથી જેટલા દૂર રહેવાય તેટલા પ્રમાણમાં માનસિક શાંતિની શક્યતા રહે છે. બિલકુલ નિવૃત્ત થઈ ધરમધ્યાન કરવું એ એકમાત્ર વિકલ્પ નથી. મનથી નિવૃત્ત થવું એ સારી વાત છે જો શક્ય બને તો. બાકી પોતાનું કામ પોતે કરીને જીવવાની કોશિશ કર્યા વગર છૂટકો નથી. કોઈના પણ લાચાર બન્યા વિના, પોતાનાં સંતાનો અને તેઓનાં સંતાનોનો આદર મેળવવાની ઝંખનામાં સમય પસાર કરવા કરતાં ગૌરવથી પોતાની રીતે જીવવામાં જ સાર્થકતા રહેલી છે.