Posts or Comments 08 September 2008

વસંતનાં વધામણાં rajeshrathod | 18 Feb 2008 04:29 am

વસંતનાં વધામણાં

વસંત તો પુરાણકાળથી માનવજીવનનો ધબકાર બનેલી છે.વસંતના ઐશ્વર્યનો અનુભવ સાચા અર્થમાં જીવનને ધન્ય બનાવી દે છે.ભગવાન શ્રી કૃષ્ણે સમગ્ર માનવજાતને એક અમૂલ્ય ભેટ આપેલી છે. એ ભેટ છે પ્રકૃતિની સમજની અને પ્રકૃતિની ઉપયોગિતાની. માનવજીવન પ્રકૃતિ વિના સંભવિત નથી એનો શ્રી કૃષ્ણને સુપેરે અહેસાસ હતો.

પ્રકૃતિના ખભે જ મનુષ્ય જીવનસાગર પાર કરી શકે છે. પ્રકૃતિ થકી મનુષ્ય પોતાના મનની નૌકામાં ઇન્દ્રધનુષી રંગો ભરી શકે છે. પ્રકૃતિ વિરુદ્ધનો વ્યવહાર મનુષ્યને જ નહીં, પૃથ્વી પરના માનવજીવનને નામશેષ કરી શકે છે.

શ્રી કૃષ્ણનું સમગ્રજીવન પ્રકૃતિને જ ઓળધોળ થયેલું રહ્યું છે ને! ખળખળ વહેલી યમુના નદી, વ્રજની લીલીછમ વનરાજી, ગોવર્ધન ગિરિનું ગરવું સાંનિઘ્ય, ગાયોનું ધણ, માખણ, દૂધ,ગોપીઓનું સાંનિઘ્ય અને રાધાનો પ્રેમ…પ્રકૃતિનું મનોહર-અનુપમ રૂપ એટલે જ વસંતઋતુ,પ્રકૃતિના સોળ શૃગાર.એટલે જ એ ઋતુરાજ છે.મહાકવિ કાલિદાસે ‘ઋતુસંહારમ્’માં વસંતનાં આ રીતે વધામણાં કયાô છે.

દ્રુમા સપુષ્પા સલિલં સપદ્મં સ્ત્રિય: સકામા: પવન: સુગન્ધિ: સુખા: પ્રદોષ: દિવસાશ્વ રમ્યા: સર્વ પ્રિયે ચારુતરં વસન્તે

એમના આ શબ્દોમાં વર્ણવાયેલી વસંત એના પ્રકૃતિરૂપમાં હજુ આજેય એટલી જ અકબંધ છે. શિશિરના શીતળ પવનોને શાતા વળવી શરૂ થાય ત્યાં દખણાદા વાંસતી વાયરા વાય છે. ડાળે ડાળે કૂંપળ ફૂટે છે. આંબે મોહર મહોરે છે. કેસૂડાનાં ફૂલમાં એનાં પ્રતિબિંબ ઝિલાય છે. ગુલમહોર, રાતરાણી અને મોગરાનો પમરાટ ઉન્માદી લહેર વહાવે છે. કોયલનો ટહુકાર પંચમસૂરે જાણે ઋતુરાજની છડી પોકારે છે કે કેસરિયા પરિવેશમાં વસંત આવી છે.

વસંત તો પુરાણકાળથી માનવજીવનનો ધબકાર બનેલી છે. વસંતના ઐશ્વર્યનો અનુભવ સાચા અર્થમાં જીવનને ધન્ય બનાવી દે છે. પ્રાચીન ભારતીય ¼ષ્ટિ તો વસંતને ઇશ્વર તરીકે જ જુએ છે. ભગવાન શ્રી કòષ્ણે શ્રીમદ્ ભગવદ્ગીતાના દસમા અઘ્યાયમાં વસંતને પોતાના ખુદના સ્વરૂપે વર્ણવી છે.

‘બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છન્દસામહમ્ માસાના માર્ગશીર્ષોહમૃત્નાં કુસુમાકર’

વસંત એટલે પ્રફુલ્લતા અને પ્રસન્નતા. વેદકાલીન ઋષિ-મુનિઓએ પણ વસંતનો મહિમા ગાયો છે. સંસ્કòત સાહિત્યમાં વસંતના પ્રચૂર ઉલ્લેખો મળે છે. વાલ્મીકિ રામાયણથી માંડીને જયદેવના ‘ગીતગોવિંદ’ની વસંતને પોંખવાની પરંપરા પ્રાદેશિક સાહિત્ય, લોકસાહિત્ય અને આદિવાસી સંસ્કòતિનો એક અભિન્ન હિસ્સો બની ગઈ છે.

પંજાબની બૈસાખી અને ઉત્તરભારતના અન્ય ઇલાકાઓનો વસંતોત્સવ તેનાં પ્રતીક છે. વસંતપંચમીએ ખેતરોને રાયડા- સરસવનાં પીળાં પુષ્પોથી ઝૂમતાં જૉવાં એ આંખ માટેનો અપૂર્વ લહાવો છે. એટલે જ પીળા રંગને વસંતી રંગ કહેવાય છે. મઘ્યયુગની અત્યંત રસિક અને લોકપ્રિય રચના ‘વસંતવિલાસ’ના ઉલ્લેખ વગર વસંતવર્ણન અધૂરું છે.

કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ, વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ.

વસંત સૃષ્ટિને નવપલ્લવિત કરે છે. નવાં પાંદડાં આપે છે. પ્રકòતિને આળસ ખંખેરીને જગાડે છે, ઢંઢોળે છે. એના આગમન સાથે જ જાણે કે અંતરમાં કોઈ અજાણી હૂંફ બનીને આવે છે. કોણ એ? એની ખબર નથી પડતી, પણ પ્રકૃતિની જેમ અંતરમાં પણ ચેતનાનો પગરવ જાગે છે.

ક્ષણિક બધું ભુલાવી દે છે. અંતરમાં કોઈ અજાણી હૂંફ બનીને આવે છે. ઋતુરાજ… કોયલના પંચમ બોલના તાલે એનાં પગલાં નૃત્ય કરે છે. પંચમ સૂર અને પંચમી… વસંતપંચમી એટલે જ ઉજવાય છે. જીવનની વસંતમાં પણ એના ઉત્સવો ઊજવાવા જૉઈએ. વસંત તો જીવનમાં કોઈ પણ ક્ષણે અથવા તો ક્ષણે ક્ષણે પણ આવી શકે છે.

સવાલ એ વસંતને વધાવવાની તૈયારી રાખવાનો છે. જીવનમાં પણ રૂંવે રૂંવે ખીલવાની ઋતુ આવે છે. શ્વાસે શ્વાસે કેસૂડાનાં રતુંબડા ઝલમલ રૂપ પ્રગટે છે. એ પ્રસન્નતાનો મર્મ સમજીએ અને અંતરમાંથી ઊઠતા આનંદના અનહદ સૂરને સાંભળી શકીએ તો જીવનમાં એક વાર નહીં, પળેપળ વસંતને માણી શકાય.

આમ છતાં એને કંકોત્રી લખવી પડતી નથી. વસંતનો સમય થાય એટલે એ અચૂક આવી જ જાય છે. કોયલ, કેસૂડો અને આંબો એના આગમનનાં સિગ્નલ્સ આપે એ આપણે દેખવા જૉઇએ. ખુલ્લાં ખેતરો, મોટાં મેદાનો, ધેઘૂર જંગલો, છલકતી નદીઓ, ઊંડી ખીણો, ઊંચા પર્વતો અને લીલા બગીચામાં વસંત છવાઇ વળે છે. નાનાં શહેરોમાં તો ઘરના ફળિયા લગી પણ પહોંચી જાય છે. એ પ્રવેશી નથી શકતી તો માત્ર એક જ જગ્યાએ, આપણા ઘરમાં. તમે કદી વસંતને ઘરની અંદર આવતી જૉઇ છે?

‘બહાર’ જૉ ઘરમાં જ ન આવે ને માત્ર બહાર જ આવે એની શી મઝા? આપણે વસંતનાં ગીતો પણ ગાઇએ, ફૂલ-છોડ પણ વાવીએ અને દીવાલો પર ચિત્રો ટીંગાડીએ, પણ પ્રસન્નાતાથી ભર્યું ભર્યું જીવન જીવતાં નથી એટલે પછી ઘરમાં કે મનમાં વસંત દેખાય કયાંથી? વસંતને માત્ર શબ્દ નહીં, જીવનશૈલી બનાવીશું, તો જ વાસંતીમોજ મળી શકશે.

નવીનતા, આનંદ, તાજગી, સુગંધ, રંગ, ચેતન અને થનગનાટ એટલે વસંત. શું આજે આપણા જીવનમાં આ બધું છે ખરું? સૌએ પોતપોતાની જાતને પૂછવા જેવો આ સવાલ છે. આપણે જયાં લગી અક્કડ રહીશું, બીજાના સુખથી દાઝતા રહીશું, હાસ્ય-નૃત્યૃ-ગીત-મસ્તીથી કંટાળતા રહીશું ત્યાં સુધી વાસંતી આહ્લાદને કોઇ સ્થળે કે રીતે પામી શકીશું નહીં. વસંતને એક વાર ઘરમાં ને મનમાં બોલાવી તો જુઓ!

કુદરતની માફક પ્રેમ અને પરિવર્તનને હૃદયથી સ્વીકારી તો જુઓ! ઘરની ચાર દીવાલોની બહાર નજર નાખી તો જુઓ! વસંત કયાંય ગઇ નથી. કયાંય એ ખોવાઇ નથી. વસંત તો આશા છે. નવી કૂંપળો ફૂટવાની આશા. નવાં ફૂલ ખીલવાની આશા. સૂક્કાં નવાં પાંદડાં લીલાંછમ થવાની આશા. નવી સુગંધ, નવાં ગુંજન, નવી તાજગી, નવા ફેરફારોની આશા.

વસંત એ જીવનનું સંગીત છે. તાજગીના ટહુકાર અને સૌંદર્યનો સત્કાર છે. પરિવર્તનનો પોકાર છે. જયાં આવું કંઇક બને છે ત્યાં આપણી અંદર વસંત મહોરે છે. વસંતની મોસમ કયાંય ખોવાઇ નથી ગઇ. એ હજુ પણ અજવાશને પાથરે છે. ખોવાઇ ગઇ છે, વસંતને પારખવાની નજર. ભલે ને સિમેન્ટ કોંક્રીટનાં શહેરી જંગલોમાં અને ધુમાડિયાં વાહનોથી ધસમસતા રસ્તાઓમાં એ કયાંક ખોવાયાનું લાગે!

ઇડિયટ બોકસના રંગીન પડદે જ હવે તો સઘળો વાસંતીવૈભવ નિરખવાનું આપણા નસીબે આવી પડેલું છે. નવી પેઢીને માટે તો વાસંતીપરિવેશ જાણે ટેલિવિઝન કે કોઇ પુસ્તકની જ બાબત બની રહી છે. અરે, આપણે ત્યાં હેમંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, શિશિર અને વસંત એમ છ-છ ઋતુઓના વૈભવી ઠાઠ છે એની ઘણા બધાને જાણ હોતી નથી, ત્યાં એની અનુભૂતિ કે આસ્વાદની તો વાત જ કયાં રહી?

માણસે પ્રકòતિની સાથે સ્પર્ધા કરીને કવચિત એને પરાજય પણ આપ્યો છે. ગ્લોબલ વોિર્મંગની શરૂ થયેલી ગરબડ તેનું જ પરિણામ છે. ઋતુઓની બદલાતી અસરો તેનાં દૂષણો છે. વસંતપંચમી આવી ત્યાં લગી હાડ ધ્રુજાવતી ઠંડી પડે એ માટે શું કહેવું? આમ છતાં પ્રકòતિએ કયારેય એની મમતામાં ઓછપ આવવા દીધી નથી. પોતે નષ્ટ-ભ્રષ્ટ જરૂર થઇ હશે પણ વેરનો બદલો વેરથી વાળવાની હદે એ માણસની જેમ ગઇ નથી.

વૃંદાવનની કુંજગલીમાં ભલે બાંસુરી વાગે કે ન વાગે, ગોપીઓ ગોરસ વેચવા ભલેને ન નીકળતી હોય પરંતુ વસંત તો એના નિર્ધારિત ટાઇમટેબલ મુજબ આવી જ જતી હોય છે. શહેરી આવાસોની બહાર ઉગાડેલી મધુમાલતી કે બોગનવેલમાં વિસામો કરતાં એને કોઇ ખાસ સંકોચ આવતો નથી. કેસૂડો, ગરમાળો, ગુલમહોર, રાતરાણી, મોગરો વગેરેના વૈભવી મહેલોમાં વસંત વસે છે ને સમીરસંગે સુવાસ રેલાવીને હસે છે. પવનની પાંખે ચડી માનવીના મનમાં ફોરમ ભરી જાય છે.

વળી, વસંતનો સંબંધ ફકત આનંદ-ઉમંગ સાથે જ નથી, સ્વાસ્થ્ય અને વિજ્ઞાન સાથે પણ છે. રંગ-સુગંધનું પણ આગવું વિજ્ઞાન છે. આયુર્વેદ પણ વસંતકાળમાં નવજીવન પ્રાપ્ત કરવાની અનેક પદ્ધતિઓ દર્શાવે છે. વર્ષભર પ્રાકૃતિક વિટંબણાઓ સામે ઝઝૂમવાની નૂતન શકિત આ ગાળામાં પ્રાપ્ત કરી શકાય છે. વસંત તો રોજિંદી ઘરેડ અને વીતેલા કામકાજી દિવસો પછીની ઘરેડમાંથી માણસને નવી દિશા, મુકિત, ઉજવણી તરફ વાળે છે. મનને વિષયાંતર કરીને દુરસ્ત કરે છે. પ્રકòતિના બદલાતા સ્વરૂપની માનવજીવન પર અસર પડે છે, જે શારીરિક-માનસિક આરોગ્ય માટે ઔષધનું કામ કરે છે. સૃષ્ટિનું આ અનુપમ-મોહક રૂપ માનવજીવનને માટે એક વરદાન રૂપ છે.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply