Posts or Comments 16 October 2008

તું છે મારી અંદર તેથી rajeshrathod | 23 Jan 2008 06:16 am

વહેમનાં વાદળ

વહેમનાં વાદળ કદી બંધાય ના સહેજ પણ તૂટયો સંબંધ સંધાય ના
સમસ્યા :હું તમારા લેખની નિયમિત વાચક છું. જ્યારે મારા જેવા હતાશ થયેલા લોકો આત્મહત્યા કરવા પ્રેરાય છે,  તેમને કોઈ જ માર્ગ સૂઝતો નથી ત્યારે સંદેશની  કોલમનો સહારો લેવો પડે છે. મારી સમસ્યા આ મુજબ છે તો પ્લીઝ મને મદદ કરજો. કોઈની ડૂબતી નૈયાના તમે જ નાવિક છો, જે તેને ડૂબતા બચાવી શકી છે. મારું કાલ્પનિક નામ કલ્પના છે. હજુ મારા લગ્ન થયાને ખાસ સમય થયો નથી. મારું સાસરું અને પિયર એક જ ગામમાં છે. અમે મધ્યમ વર્ગના છીએ, પરંતુ સાસરિયા માલદાર છે. અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. મારા બે જેઠ-જેઠાણી સાસુ-સસરા છે. અમારો ધંધો સારો ચાલે છે. મારા જેઠાણી દેખાવમાં ગોરા અને રૃપાળા છે, પરંતુ તેમને બે સંતાનો છે. મારા જેઠને શરાબનો શોખ છે, તેથી મારાં જેઠાણી મારા પતિને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. તેમને કોઈ પણ બહાને સ્પર્શ કરે છે.
તેમની અવારનવાર પ્રશંસા કરે છે. તેમને પોતાનું ગોરું શરીર બતાવવાની પણ કોશિશ કરે છે, પરંતુ મને તેમના ઈરાદાની ખબર પડી ગઈ છે. મેં મારા પતિને આ અંગે વાત કરી તો ઉલ્ટાનું તેઓ મારા ઉપર જ દોષારોપણ કરે છે, કે હું કોઈના ઉપર ખોટી શંકા કરું છું. પરંતુ હંુ તેમની આવી દલીલ સ્વીકારવા તૈયાર નથી.

મને જાણવા મળ્યું છે કે મારી સગાઈ થઈ તે પહેલાં મારા પતિ તેમના રૃમની પાસે જ સુતા હતા - મારા જેઠ રાત્રે મોડા ઘેર આવતા હતા. એકવાર તેમણે મારા પતિની કમર પણ પકડી હતી. પણ આ બાબતને બહુ મહત્ત્વ આપ્યું નહોતું. મારા પતિ તેમના ઓરડાની પાસે જ ચા પીવા બેસતા હતા - નાહીને આવે ત્યારે તેમના ઓરડાની સામે જ ચડ્ડી બનિયાન પહેરતા હતા, પરંતુ ધીમે ધીમે મેં આ ટેવ છોડાવી દીધી હતી. મારી જેઠાણી મને આવા પતિ મળ્યા છે તેથી નસીબદાર માને છે તે હંમેશા કહે છે કે આ મારો દિયર મને મારા છોકરા જેવો લાગે છે. તો ભાભી પોતાના છોકરાને શરીર દેખાડે ખરાં ? હકીકતમાં મારાં પતિ મારી જેઠાણી કરતાં ઉંમરમાં મોટા છે, પરંતુ તેમને મારા પતિનું આકર્ષણ છે. તેમના ઉપર મારા સાસુ-સસરાને પણ ખૂબ લાગણી છે. મારા પતિને જ્યારે હું કશુંક કહું છું ત્યારે તેઓ એકદમ ગુસ્સે થઈ જાય છે અને ક્યારેક હાથ પણ ઉપાડે છે.

મને ખ્યાલ છે કે મારી જેઠાણીને હું પહેલેથી જ પસંદ નથી. આ વાત એક વિશ્વાસુ વ્યક્તિએ કરેલી છે. તેમણે મને માનસિક રીતે ત્રાસ આપવાનું શરૃ કર્યું છે, પરંતુ જ્યારે મારા પતિ જ મને સાથે આપતા નથી, તો હું એકલી તેમનો સામનો કેવી રીતે કરી શકું ? મેં મારા ઘેર પણ આ બાબતની જાણ કરી છે. મારી તકલીફ એ છે કે મારાં મમ્મીને હાઈ બીપીની તકલીફ છે. ડોક્ટરે તેમને કોઈ પણ જાતની માનસિક ચિંતા ન કરવાની સલાહ આપી છે. પરંતુ મારે કોઈ પણ હિસાબે આ પ્રશ્નમાંથી મુક્ત થયું છે. હું છૂટાછેડા લેવા તૈયાર થઈ ગઈ છું.

આ જેઠાણીએ મારાં બીજા જેઠાણી સાથે પણ ખૂબ જ અભદ્ર વ્યવહાર કર્યો હતો. તેમણે મને પહેલેથી જ ચેતવી દીધી હતી. આજે તેમની વાત સાચી પડી છે. આજે મારા પતિની સાથે મારે સખત ઝઘડા થાય છે. મારા પિયરના કોઈને હું મારી વેદના વિષે કહી શકતી નથી. મારે હવે છુટ્ટા થવું છે. આ રોજની રામાયણ થઈ ગઈ છે. હું મારી માતાને ગુમાવવા માંગતી નથી. મારા પિતા તો સ્વર્ગે સિધાવી ગયા છે. મારી માને હું કેવી રીતે કહ્યું કે ‘‘તમારી દીકરી કેવી જિંદગી જીવી રહી છે તેની તમને કશી જ જાણકારી નથી.’’ હું ઘરના ઢસરડા કરું છું. છતાં મને બધા ગાળો ભાંડે છે. જ્યારે મારી જેઠાણી કશુંજ કરતી નથી. છતાં બધા જ તેની વાહવાહ કરે છે. મારા જેઠ મારી જેઠાણીથી સતત દૂર રહે છે. જરૃર ક્યાંક કશું ક રહસ્ય છુપાયેલું છે. પણ મારું શું ? મારી જિંદગી તો હજુ શરૃ પણ નથી થઈ, ત્યાં મારી જેઠાણી તે પૂરી કરી દેવા માંગે છે. હું મારા પતિથી તન અને મનથી  એકદમ  દૂર  થઈ ચૂકી છે.

મારે આ મુસીબતમાંથી બહાર નીકળવું છે. નહિતર, ખરેખર હું અથવા મારા પતિ બેમાંથી એક આત્મહત્યા કરીને ખતમ થઈ જશે. દુનિયામાં આવા કેટલાય દિયર-ભાભી હશે. જે સંબંધની આડમાં આવા ખેલ ખેલતા હશે. મારો પ્રશ્ન નાનોસૂનો નથી. આ પ્રશ્ન પ્રેમ અને વિશ્વાસનો છે.

પ્રત્યુત્તર :

સંદેશના વાચકો પોતાના જીવનની ઉલઝનો લખી મોકલે છે અને તેના ઉપર ધ્યાન પણ આપવામાં આવે છે, પરંતુ જે રીતે પ્રશ્નો રજૂ થાય છે તે ઘણી વાર મોટી ગૂંચવણો પેદા કરે છે. જીવનમાં વિચારવાની બે રીત છે. (૧) વ્યક્તિલક્ષી અને બીજી (૨) વસ્તુલક્ષી. જ્યારે પત્ર લખનાર વ્યક્તિ હંમેશા પોતાનો પ્રશ્ન પોતાની રીતે જ વિચારે છે, અને પોતાની જાતને જ કેન્દ્રમાં રાખીને લખે છે. ત્યારે તે વ્યક્તિલક્ષી પત્ર હોય છે. જ્યારે આપણે બીજાને ધ્યાનમાં રાખીને કશુંક વિચારીએ છીએ ત્યારે સામી વ્યક્તિ શું વિચારે છે તે વધુ મહત્ત્વનું બની જાય છે. સામાન્ય રીતે માણસ વિવેકબુદ્ધિથી વિચારતું બુદ્ધિશાળી પ્રાણી હોવાથી, તે દરેક બાબતનો આત્મલક્ષી અને પરલક્ષી દૃષ્ટિએ વિચાર કરે છે. આમ કરવાથી જીવનની ઘણી કુંઠાઓ દૂર થાય છે. પરંતુ મોટા ભાગે માનવી સ્વાર્થી અને આત્મકેન્દ્રી  પ્રાણી હોવાથી તે સતત પોતાનો જ વિચાર કરે છે.

હવે તમારો પ્રશ્ન વિચારીએ. તમે બધા જ પત્રલેખકોની જેમ માત્ર તમારી રજૂઆત કરી છે. તમારી વાતને બે રીતે કોઈ પણ માણસ વિચારી શકે. આપણે ર્પૂિતમાં આપણી સમસ્યાનો પ્રત્યુત્તર વાંચીએ છીએ ત્યારે જવાબ આપનાર વ્યક્તિ પણ એક વ્યક્તિગત પ્રતિભાવ જ આપે છે તેની પોતાની સમજણ હોય છે. જ્યારે લાખ્ખો વાચકો તમારી સમસ્યા વાંચે છે ત્યારે ઘણાંને પોતાના જેવી જ સમસ્યાનો. વિચાર આવે છે, કેમ કે માનવીના જીવનનું બીજું નામ જ સમસ્યા છે. તમારી વાતમાં મુખ્ય કારણ તમારી જેઠાણી છે. તે ગોરાં અને રૃપાળાં છે. તમારા પતિ પણ આકર્ષક છે. તેથી બંને વચ્ચે આકર્ષણ પેદા થયું છે. બે આકર્ષક વ્યક્તિ એકબીજાને આકર્ષે તે સ્વાભાવિક છે. પરંતુ ઘરના દરેક માણસો પ્રેમથી એકબીજાની સાથે હસીમજાક કરે કે વાતચીત કરે તો તે કોઈ શારીરિક આકર્ષણ જ છે તેવું માની લેવાય નહિ. જો આ બાબતમાં તમારી ભૂલ થતી હોય તો સામી વ્યક્તિને બહુ અન્યાય થઈ જાય. છતાં તમારા મનમાં એક બાબત ઘર કરી ગઈ છે અને તેને કાઢવી બહુ મુશ્કેલ છે. આ બાબત બહુ ગંભીર છે, અને તમે છેક આત્મહત્યા કરવા સુધીની તૈયારી કરી લીધી છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ન તમારે આવું કશું કરવું જોઈએ કે ન તમારા પતિ માટે આવું વિચારવું જોઈએ. જો તે દેખાવડાં અને આકર્ષક હોય તો તમારે ખુશ થવા જેવું છે. તમે તેને એટલો પ્રેમ આપો કે તેનું જીવન બાગબાગ થઈ જાય. કોઈ પણ સ્ત્રીમાં એટલી બધી ખૂબીઓ હોય છે કે જો તે ધારે તો પોતાના પતિને ચોક્કસ રીઝવી શકે. પતિ-પત્નીની આત્મીયતા દુનિયાનાં બધાં જ તોફાનોનો  સામનો  કરી  શકે છે.

તમે એક પ્રયત્ન કરી જુઓ. તમે તમારાં જેઠાણીને બહેનપણી બનાવી દો. તેમને સમજવાની કોશિશ કરો. મગજમાંથી વહેમનાં જાળાં વીખેરી નાખો. શક્ય છે કે તમારી સમસ્યા તમે જાતે જ ઉકેલી શકશો.

Trackback This Post | Subscribe to the comments through RSS Feed

Leave a Reply